Essay Archives

અનુભવની એરણે ઘડાયેલ વાણીથી એક સંતકવિ કહે છે, ‘ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય‘ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની ભારેખમ ડિગ્રી મેળવવા કરતાં પણ અઘરું છે- પ્રેમના અઢી અક્ષરને સમજવા અને પ્રેમ આપવો. આખરે આ પ્રેમ છે શું? છેક પૌરાણીક યુગથી લઈને આજદિન પર્યંત માનવજાતે આ ‘પ્રેમ‘ શબ્દનો તાગ કાઢવા અપાર પ્રયત્નો કર્યા છે. પશ્ચિમી જગતના મોટા ફિલોસોફર એરિક ફ્રોમ આ પ્રેમની સરળ વ્યાખ્યા આપતાં કહે છે- What is love? It is care, consideration and respect. પ્રેમ એટલે સામા વ્યક્તિની સંભાળ રાખવી, એને સમજવી અને આદર આપવો. આ પાયાના શિક્ષણ વગર પાંગરતો પ્રેમ બેઉ પાત્રોને માત્ર દુઃખરૂપ  જ નીવડે છે.
વીતેલી એક સદીમાં લોકો જોઈ શક્યા કે દુનિયાની ડીગ્રીના સ્પર્શથી પણ દૂર અને મોહ-માયાના બંધનથી સંપૂર્ણ અલિપ્ત રહેલા એવા પ્રમુખસ્વામી લાખોને નિર્મળ પ્રેમ આપી શક્યા અને લાખોનો પ્રેમ પામી શક્યા- કઈ રીતે? સંભાળ, સમજ અને આદરના ત્રિવેણી સંગમમાં હરકોઈને ઝબકોળીને જ !
૧૯૭૮માં એક ધનાઢ્ય હરિભક્તે સારંગપુરમાં પ્રમુખસ્વામીની હાજરીમાં પારાયણ કરાવી. એ પ્રસંગે એમણે સારો એવો ખર્ચ કર્યો અને મોટી રકમનું દાન પણ કર્યું. આ જોઈને સારંગપુરની બાજુમાં આવેલા કુંડળ ગામના ધરમશી નામના તદ્દન સાધારણ યુવાનને ઉમંગ જાગ્યો અને એણે પ્રમુખસ્વામીને કહ્યું કે ‘મારા ઘરે આવીને પારાયણ કરો.‘ પ્રમુખસ્વામીએ એને કહ્યું કે ‘હું અમદાવાદ જવાનો છું એ વખતે તું ગામના પાટિયે ઉભો રહેજે, હું આવી જઈશ‘ પણ સાથે સાથે એને આ વાત ખાનગી રાખવા પણ કહ્યું કારણ કે તેમને બીક હતી કે આયોજકોને ખબર પડશે તો પોતે બીમાર હોવાને લીધે ત્યાં જવા દેશે નહિ. મુસાફરી શરૂ થઈ અને કુંડળ ગામનું  પાટિયું આવતાં એકાએક પ્રમુખસ્વામીએ ત્યાં ઊભેલા ધરમશીની પાછળ ગાડી એના ભાંગ્યાતૂટ્યા ખોરડે લેવડાવી.
ઘરમાં બેસવાનું આસન હતું નહીં તો સ્વામી અનાજના ખાલી કોથળા ઉપર બેસી ગયા. મોટી પારાયણમાં કરવામાં આવતી વિધિ પ્રમાણે જ ધરમશી પાસે પૂજન કરાવ્યું. એના ઘરમાં પારાયણમાં વાંચવા લાયક કોઈ પુસ્તક નહોતું, તો સ્વામીએ પોતાની સાથે રાખેલ શિક્ષાપત્રી-નિત્યવિધિની ચોપડીમાંથી એક વચનામૃત વાંચ્યું અને થોડી વાત કરી. પછી ધરમશી પાસે આરતી કરાવડાવી. હવે પ્રસાદ આપવાનો હોય, પણ આ દરિદ્રી પાસે ક્યાં કાંઈ હતું? તો સ્વામીએ ચામાં નાખવાની સાકરના થોડા દાણા ભગવાનને ધરાવીને પ્રસાદ પણ વહેંચ્યો, જે મોટી પારાયણો બાદ આપવામાં આવતી રસોઈ(થાળ)ની જગ્યાએ હતો. પછી સ્વામી ઊભા થતાં થતાં તેને આશીર્વાદનો ધબ્બો આપતાં કહે કે ‘લે, તારી પારાયણ થઈ ગઈ.‘ સુદામાથી પણ કંગાળ એવા વ્યક્તિની લાગણી સાચવવા માટે પ્રમુખસ્વામી કેટલું કરી નાખવા તૈયાર હતા!
વગર માંગે કરવામાં આવતી સારસંભાળ તો અમૂલ્ય હોય છે. માતા પોતાના બાળક સારુ ભીનામાં સૂઈ જાય એ વખતે બાળકે એવી માંગણી કરી હોતી નથી. એને પ્રેમ કહે છે. પરંતુ પોતાના સગાંવહાલાં ન હોય અને જેની પાસે પોતાનો કોઈ સ્વાર્થ સિધ્ધ થવાની આશા પણ ન હોય એવાની આવી સંભાળ રાખવી- એ તો ખરેખરા  પ્રેમાળ હૈયાનું જ કામ! અમદાવાદના પ્રભાશંકર પંડ્યા અટલાદરા મંદિરે સમૈયા(ઉત્સવ) ઉપર મોડી રાતે આવ્યા ત્યારે મોટી સંખ્યામાં આવેલાં ભક્તોને જોઈને એમણે ઉતારો મળવાની આશા છોડી દીધી અને સભામંડપમાં એક કોરે જમીન ઉપર કશું પાથર્યા વગર સુઈ ગયા. તેઓ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા હતા એવામાં અચાનક કોઈ એક ગોદડું ઓઢાડી ગયું. એની મીઠી હૂંફમાં એમણે રાત વીતાવી. ત્યાં વહેલી સવારે પ્રમુખસ્વામીના સેવકે એમને જગાડતાં કહ્યું કે‘ ઊઠો, અને આ ગોદડું પાછું આપી દો. રાતે પ્રમુખસ્વામી રાઉન્ડ ઉપર નીકળ્યા હતા ત્યારે એમણે પોતાનું ગોદડું તમને ઓઢાડી દીધું છે અને પોતે આખી રાત ટાઢમાં પડી રહ્યા છે‘ આવી રીતે સ્વામીએ પોતાની વસ્તુ વગર માંગે બીજાને આપી દીધી હોય એવા તો અનેક પ્રસંગો બન્યા છે.
પ્રમુખસ્વામી સોનગઢ(વ્યારા)માં હતા. સાંજે વાળુ કરવા બેસતાં પહેલાં એમણે યજમાનને બોલાવીને દૂધ લાવી આપવા કહ્યું. સૌને નવાઈ લાગી કારણ કે આ રીતે તેઓ પોતે દૂધ લેતા નહોતા. દૂધ આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘આપણી સાથે જે શંકર ભગત ફરે છે એમને આ દૂધ આપો, કારણ કે તેઓ દર શનિવારે એકટાણા કરે છે અને દૂધ સિવાય કશું લેતા નથી.‘
આપણને આપણી સાથે રહેનારા માણસોનો આવો ઝીણવટભર્યો ખ્યાલ રહે છે? જો રહે તો પૃથ્વીને સ્વર્ગ બની જવામાં વાર કેટલી?
પ્રમુખસ્વામીને અપાર પ્રેમ મેળવતાં આપણે સૌએ જોયા છે. એવો પ્રેમ પામવો હોય તો એથી અનેકગણો પ્રેમ આપવો પડે. પ્રેમના અઢી અક્ષરને પચાવી જાણનાર પ્રમુખસ્વામી દુનિયાના માંધાતાઓથી ઘણા આગળ નીકળી ગયા.

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS